શહેરના ભગવતીપરા જૂના પુલ પાસે મંગળવારે સવારે અકસ્માતના બનાવમાં માનવ જિંદગીનો ભોગ લેવાયો છે. જેમાં રોડ પરથી પસાર થઇ રહેલા બાઇક અને સાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા વૃદ્ધ અને યુવાન ચાલકને ઇજા થતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા સાઇકલસવાર વૃદ્ધનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં અકસ્માતમાં મોતને ભેટેલા સાઇકલચાલક વૃદ્ધ ખોડિયારપરામાં રહેતા છોટુભાઇ બચુભાઇ પરમાર હોવાનું અને ઇજાગ્રસ્ત બાઇકચાલક 80 ફૂટ રોડ, કિંજલ પાર્કમાં રહેતો જયસુખ જેઠાભાઇ કથીરિયા હોવાનું જાણવા મળ્યું છે.
મૃતકના પરિવારને જાણ કરતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, 75 વર્ષીય છોટુભાઇ આઠ ભાઇઓમાં ત્રીજા હતા અને અપરિણીત હતા. તેઓ મોરબી રોડ વોર્ડ ઓફિસમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.