રાજ્યભરમાં ઉનાળાના આરંભે જ ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. ઠેરઠેર વાદળછાયું વાતાવરણ તો વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા થયા હતા તો ઉત્તર ગુજરાત તથા અમદાવાદ, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાતાવરણના ઉપરના લેવલનો ટ્રફ રયાયો છે, જેને જેટ સ્ટ્રીમ પણ કહે છે. આ જેટ સ્ટ્રીમ ઉપરના વાતાવરણને બ્લોક કરે તેને લો-બ્લોકિંગ સિસ્ટમ કહે છે. લો-બ્લોકિંગથી માવઠાની સ્થિતિ સર્જાય છે.
અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ગુજરાત નજીક સરક્યુલેટ થઇ રહ્યો હોવાથી તેમજ ગરમીના કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ હાલ રાજ્યના વાતાવરણમાં અવારનવાર પલટો આવી રહ્યો છે. જ્યાં સુધી માવઠાંની સાથે કરાના વરસાદની વાત છે ત્યાં સુધી વાદળો ઊંચે ચડતા તેમાં ટીપા બંધાયા અને દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશમાં થતી હિમવર્ષાની અસરના કારણે નાના હિમકણો બની મોટા હિમકણોમાં રૂપાંતરિત થતા કરા બની ગયા અને છૂટાછવાયો કરાનો વરસાદ પણ વરસી રહ્યો છે.