2023ના બુકર પુરસ્કાર માટે 6 પુસ્તક શોર્ટલિસ્ટ કરાયાં છે તેમાં ભારતીય મૂળનાં ચેતના મારુની નવલકથા ‘વેસ્ટર્ન લેન’ પણ છે. નિર્ણાયક પૅનલના પ્રમુખ સી. એડુગ્યાન કહે છે કે અન્ય પાંચ લેખકમાં કેનેડાની સારા બર્નસ્ટીન, અમેરિકાના જોનાથન એસ્કોફરી અને પૉલ હાર્ડિંગ્સ, આયર્લૅન્ડના પૉલ લિન્ચ અને પૉલ મરે પણ છે. 26 નવેમ્બરે વિજેતાની જાહેરાત કરાશે. ચેતનાની આ નવલકથા વિશે જાણીએ.
‘વેસ્ટર્ન લેન’ના કેન્દ્રમાં બ્રિટિશ ગુજરાતી પરિવાર છે. 11 વર્ષની ગોપી નામની છોકરી નવલકથાનું મુખ્ય પાત્ર છે. ગોપી પોતે સરખી રીતે રેકેટ પણ પકડી નહોતી શકતી એ ઉંમરે સ્ક્વૉશ રમવાનું શરૂ કરી દીધું હતું. માતાનાં મૃત્યુ પછી પિતાએ સ્ક્વૉશ ટ્રેનિંગ સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો. પછી આ રમત ગોપીની દુનિયા બની જાય છે. ધીમેધીમે એ બહેનોથી અલગ પડવા લાગે છે.
ટૂંકા ગાળામાં જ ક્લબ મૅનેજરના પુત્ર ગેડનું ધ્યાન ગોપી ઉપર પડે છે. તે ગોપીનો ટ્રેનિંગ પાર્ટનર બની જાય છે. દરમિયાન મકસૂદ નામનો પાકિસ્તાની વેપારી અને સ્ક્વૉશનો ખેલાડી ગોપીના પિતાને ટૂર્નામેન્ટમાં ભાગ અપાવવા માટે મનાવે છે. ગોપીના પિતાને લાગે છે કે મોટી દીકરી કારકિર્દીનો માર્ગ અપનાવી લેશે તો તેની ચિંતા ઓછી થઈ જશે. એવામાં ત્રણ દીકરીને એકલાહાથે મોટી કરવાનું દુ:ખ અને આર્થિક સમસ્યાથી ઝઝૂમી રહેલા પિતા પુત્રીને ટૂર્નામેન્ટમાં મોકલવા માટે તૈયાર થઈ જાય છે. આ માટે તેમને ઇલેક્ટ્રિશિયનનું કામ છોડવું પડે છે. આ કારણે તેઓ પરિવારની આર્થિક અને ભાવનાત્મક મુશ્કેલીઓ સામે આંખ આડા કાન કરવા લાગે છે.