રાજકોટમાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આજે રોડ સેફટીની બેઠક મળી હતી. જેમાં કોરાટ ચોકડી પર વાહન ડાયવર્ઝન માટે બેરીકેટ લગાવવાની સાથે આ ચોકડીથી અમદાવાદ બાયપાસ સુધી જતા રસ્તા પર સ્ટ્રીટ લાઇટ લગાવવા માટે સૂચના આપવામા આવી છે. આ સાથે જ અકસ્માત સર્જતા હાઇ-વે પરની હોટેલ, પેટ્રોલ પંપ પાસેના ગેરકાયદે દબાણો દૂર કરવાનો આદેશ અપાયો છે. આ ઉપરાંત ચોમાસામાં હાઇ-વે પર વરસાદી પાણી ન ભરાય તે માટે ખાસ સૂચના આપવામાં આવી હતી કારણ કે, ચોમાસામાં ભારે વરસાદ વચ્ચે હાઇ-વે અને રસ્તાઓ પર અકસ્માતની ભીતી વધુ રહે છે. આ ઉપરાંત આ બેઠકમાં હાઇવે પરના રસ્તાઓ ઉપર સાઈનેજીસ લગાવવાનું આયોજન હાથ ધરવામાં આવશે.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. ધોરી માર્ગો પર અકસ્માતનું પ્રમાણ સતત ઘટે તે દિશામાં કરવામાં આવતી કામગીરી અર્થે રોડ રીપેરીંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા, કેટ આઈ, રમ્બલ સ્ટ્રીપ, સ્પીડ લીમીટ, સ્પીડ બ્રેકર, સાઈનેજીસ, હાઇવે - એપ્રોચ કનેક્ટિવિટી પાસે રોડ એંજિનયિરિંગ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે કલેકટરે અકસ્માત માટે કારણભૂત હાઈવે પરની હોટેલ, પેટ્રોલ પંપ આસપાસ અનઅધિકૃત હોર્ડિંગ્સ, દબાણો દૂર કરવા સૂચના આપી હતી.