પેડક રોડ, ન્યૂ શક્તિ સોસાયટી-4માં રહેતા હાર્દિક લાભુભાઇ કુંગસિયા નામના યુવાન પર ગત રાતે તેની પેડક રોડ પર આવેલી દુર્ગા રેસ્ટોરન્ટમાં જીણા વિઠ્ઠલ ગોહેલ, મગન વિઠ્ઠલ ગોહેલ, ધર્મેશ, ગૌરવ, હર્ષિલ અને શામજી નામના શખ્સે છરી, ધોકા સાથે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા રેસ્ટોરન્ટ સંચાલક હાર્દિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ મુજબ, મંગળવારે રાતે શેરીના નાકે કેટલાક છોકરાઓ ટોળે વળી જોરજોરથી ગાળો બોલતા હોય તેમને ગાળો બોલવાની ના પાડી ઠપકો આપ્યો હતો. બાદમાં ત્યાંથી પોતે પોતાની રેસ્ટોરન્ટ પર જતા રહ્યા હતા. દરમિયાન રાત્રીના સવા અગિયાર વાગ્યાના અરસામાં પોતે રેસ્ટોરન્ટ પર બેઠા હતા.
ત્યારે જીણો, મગન સહિતના શખ્સો છરી, ધોકા સાથે રેસ્ટોરન્ટ પર ધસી આવ્યા હતા. અને મગને તે મારા છોકરાને ગાળો કેમ દીધી તેમ કહી રેસ્ટોરન્ટમાં ગાળાગાળી કરવા લાગ્યા હતા. ગાળો દેવાની ના પાડતા મામલો વધુ બિચક્યો હતો અને જીણાએ છરીથી હુમલો કરી છાતી, માથા, હાથ અને બરડામાં ઘા ઝીંકી દીધા હતા. જ્યારે અન્ય શખ્સોએ પોતાના પર ધોકાથી માર માર્યો હતો.