બ્રિટનમાં નિરાશ્રિત જીવન જીવી રહેલા નવાઝ શરીફ અને તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ માટે ખરાબ સમાચાર છે. તાજેતરમાં જ તેમની પોતાની પાર્ટી દ્વારા કરાયેલા ઓપિનિયન પોલમાં ખુલાસો થયો છે કે માત્ર પાર્ટી જ નહીં પરંતુ નવાઝ શરીફ પણ લોકપ્રિયતાના મામલે પાકિસ્તાન-તેહરીક-એ-ઈન્સાફ અને તેના પ્રમુખ ઈમરાન ખાનથી પાછળ છે. એટલું જ નહીં તેમના નાના ભાઈ શાહબાઝ શરીફ નવાઝ કરતા વધુ લોકપ્રિય છે. પીએમએલ-એનએ જુલાઈ મહિનામાં ત્રણ અલગ-અલગ કંપનીઓ પાસેથી સમગ્ર પાકિસ્તાનમાં એક ઓપિનિયન પોલ કરાવ્યો હતો. આ પછી લંડનમાં નવાઝ શરીફ, શહબાઝ શરીફ અને મરિયમ નવાઝની મુલાકાત દરમિયાન આ તમામ સરવેનાં પરિણામો પર વિગતવાર ચર્ચા કરાઈ હતી. આ ત્રણ સરવે અનુસાર 9 મેના રોજ દેશભરમાં હિંસક ઘટનાઓ બનવા છતાં ઈમરાન ખાનનું પોઝિટિવ અપ્રૂવલ રેટિંગ 60% છે જ્યારે નવાઝ શરીફ 36%, શાહબાઝ 35% અને મરિયમ શરીફ 30% પર છે.
યુવા વોટરોને પસંદ છે પીટીઆઈ અને ઈમરાન: સરવે મુજબ પીટીઆઈ અને ઈમરાન ખાન યુવા વોટર ખાસ કરીને પ્રથમ વખત વોટ અપનાર લોકોમાં ખાસ લોકપ્રિય છે. ભણેલા અને ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં લોકોમાં પણ ઈમરાન લોકપ્રિય છે.
પીટીઆઈ ઉત્તર પંજાબમાં સૌથી વધુ લોકપ્રિય છે. સેન્ટ્રલ અને વેસ્ટ પંજાબમાં ઓછી લોકપ્રિયતા ધરાવે છે. કરાચીમાં પણ લોકો પીટીઆઈને સમર્થન કરે છે. પીએમએલ-એન અન્ય ક્ષેત્રોની તુલનામાં સેન્ટ્રલ પંજાબમાં મજબૂત છે. ઓછા ભણેલા લોકો પીએમએલ-એનને સમર્થન આપી રહ્યા છે.