રાજકોટ શહેરમાં ગંદકી અને ટ્રાફિક સમસ્યા તેમજ અસામાજિક તત્ત્વોનો અડ્ડો આ ત્રણેય ગેરરીતિનું કેન્દ્ર કોઇ હોય તો ચાના થડા છે. જ્યાં પણ ચાના થડા હોય છે ત્યાં આસપાસના વિસ્તારવાસીઓ ત્રાહિમામ્ પોકારી જાય છે. ઓછામાં પૂરું આવી ચાની દુકાનોએ પડ્યા પાથર્યા રહેતા ગુંડા તત્ત્વોને કારણે રહેવાસીઓ સતત ડરના માહોલમાં રહે તેવી વ્યવસ્થા પણ અમુક ધંધાર્થીઓ કરી રાખે છે. શહેરને સ્વચ્છ રાખવાની કોઇપણ ઝુંબેશમાં આવા તત્ત્વો જ આડખીલી રૂપ બને છે. થોડા સમયથી તો ટી એસોસિએશન નામે સંગઠન બનાવીને ચાના ભાવમાં વધારો કરી નાખે છે. જોકે મનપાએ આ વખતે આવા કેન્દ્રો પર કાર્યવાહી કરવાની શરૂઆત કરતા જ ટી એસોસિએશન ઘૂંટણિયે આવી ગયું છે અને પોતાની ભૂલ સ્વીકારી છે.
રાજકોટ મહાનગરપાલિકાએ ગંદકી સબબ ત્રિકોણબાગ સ્થિત મચ્છોધણી હોટેલ અને 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોકડી પાસેની દેવજીવન હોટેલ સીલ કરી છે. આ બંને હોટેલને અનેકવાર નોટિસ અપાઈ છે છતાં ટી એસોસિએશનના જોરે ગંદકી ફેલાવવાનું અને ટ્રાફિકનું દૂષણ યથાવત્ રાખ્યું હતું પણ કમિશનરે લાલ આંખ કરતા સીલની કાર્યવાહી કરાઈ હતી. બીજી ચાની દુકાનોમાં પણ આ જ રીતે સીલ કરવાની કાર્યવાહી થશે તેવું કહેતા જ ટી એસોસિએશન ઘૂંટણિયે પડીને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને મળવા આવ્યું હતું. તેઓએ રાજકોટમાં દૂષણ બનેલી ચાના થડાઓમાં ગંદકી બદલ કમિશનરની માફી માગી હતી.