વિશ્વમાં ઘણી પ્રજાતિઓ લુપ્ત થવાની અણીએ છે તેવામાં એવી મોટી 5 પ્રજાતિ કે જે વિશ્વમાં મોટી અસર જન્માવી શકે છે તેના પર અર્થ અવેર નામની સંસ્થાએ ખાસ સંગ્રહગ્રંથ તૈયાર કર્યો હતો જેમાં વન્ય પ્રાણીઓના ખૂબ જ દુર્લભ હોય તેવા ફોટોને સ્થાન અપાયું છે. જે સંગ્રહગ્રંથમાં એશિયાટિક સિંહની ફોટોગ્રાફીમાં દેશમાંથી એકમાત્ર રાજકોટના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર પિંકેશ તન્નાની તસવીરની પસંદગી કરી પ્રસિદ્ધિ કરાઈ છે. અર્થ અવેર નામની સંસ્થા ધ બિગ 5 નામનો સંગ્રહ ગ્રંથ તૈયાર કર્યો છે જેમાં સિંહ, વાઘ, હાથી, પોલર બેર(સફેદ રીંછ) અને ગોરીલા જેવી લુપ્તપ્રાય પ્રજાતિનો સમાવેશ કરાયો છે.
આ ગ્રંથમાં વિશ્વના શ્રેષ્ઠ 146 ફોટોગ્રાફરની શ્રેષ્ઠ કૃતિઓને પસંદ કરવામાં આવી છે. જેમાં એશિયાટિક લાયન માટે રાજકોટના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર પિંકેશ તન્નાની સિંહબાળ અને સિંહણ વચ્ચેના પ્રેમની અદભુત તસવીરને સ્થાન મળ્યું છે. સમગ્ર ગ્રંથમાં એશિયાટિક લાયનની તસવીર પ્રસિદ્ધ થઈ હોય તેવા તેઓ ભારતના એકમાત્ર ફોટોગ્રાફર છે.
આ સિલેક્શન માટે સંસ્થાએ એન્ટ્રી મંગાવવાને બદલે પોતાની રીતે જ તમામ ફોટોગ્રાફરની તપાસ કરી તેમની શ્રેષ્ઠ કૃતિઓ આંકી હતી અને બાદમાં તસવીર માંગવામાં આવી હતી. ગુજરાતના શ્રેષ્ઠ ફોટોગ્રાફરની યાદીમાં તન્નાને માનવામા આવે છે કારણ કે તેમની તસવીરો વિશ્વની શ્રેષ્ઠ વાઈલ્ડ લાઈફ ચેનલ જેવી કે નેશનલ જિયોગ્રાફી, ડિસ્કવરી અને એનિમલ પ્લેનેટમાં ઝળકી ચૂકી છે.