કેપિટલ માર્કેટ નિયામક સેબીએ લિસ્ટેડ કંપનીઓ દ્વારા માર્કેટ અફવાઓની ફરજિયાત પુષ્ટિ અથવા નકારવાની સમયમર્યાદાને લંબાવી છે. માર્કેટ કેપની દૃષ્ટિએ ટોચની 100 લિસ્ટેડ કંપનીઓ માટેની સમયમર્યાદાને વધારીને 1 ફેબ્રુઆરી, 2024 કરવામાં આવી છે. એ જ રીતે 250 લિસ્ટેડ કંપનીઓ માટે પણ અત્યારની સમયમર્યાદા જે 1 એપ્રિલ, 2024 છે તેને વધારીને 1 ઓગસ્ટ, 2024 કરવામાં આવી છે. આ નિયમનો ઉદ્દેશ્ય લિસ્ટેડ કંપનીઓ માટે કોર્પોરેટ ગવર્નન્સને વધુ મજબૂત બનાવવાનો છે.
અગાઉ જૂન દરમિયાન, સેબીએ લિસ્ટેડ કંપનીઓને મીડિયામાં જોવા મળતી કોઇપણ માર્કેટ અફવાની પુષ્ટિ, નકારવા માટે અથવા તો તે અંગે સ્પષ્ટતા કરવા માટે ધોરણો રજૂ કર્યા હતા. સેબીએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે ટોપની 100 લિસ્ટેડ કંપનીઓ માટે લિસ્ટીંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટના અમલીકરણની સમયમર્યાદાને વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોઇપણ ઘટના અથવા માહિતી કે જે સામાન્ય પ્રકૃતિની નથી તે અંગે પુષ્ટિ અથવા તો ઇનકાર કરવાનો રહેશે.