શહેરના મોચી બજાર, ખટારા સ્ટેન્ડ પાસેના ઓવરબ્રિજ નીચે સૂતેલા શ્રમિક પરિવારના ચાર મહિનાના બાળકને કોઇ ઉઠાવી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
બનાવ અંગે મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના ટીલા ખેડા ગામના રમેશભાઇ પન્નાલાલ ભીલ નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શ્રમિક યુવાનની ફરિયાદ મુજબ, તેને સંતાનમાં બે પુત્ર, બે પુત્રી છે. મૂળ રાજસ્થાનના હોય ગત તા.25ના રોજ પેટિયું રળવા માટે પત્ની, ચાર સંતાનોને લઇ રાજકોટ આવ્યા છે. રાજકોટમાં મોચી બજાર, ખટારા સ્ટેન્ડ પાસેની ટ્રાફિક ઓફિસની સામે ઓવરબ્રિજ નીચે રહેતા હતા. દરમિયાન રવિવારે મજૂરીકામ કરીને આવ્યા બાદ ઓવરબ્રિજ નીચે પરિવાર સાથે જમીને રાતે સૂઇ ગયા હતા. પત્ની ગીતા અને પોતાની વચ્ચે ચારેય સંતાનોને સુવડાવ્યા હતા. ત્યારે મધરાતે ત્રણ વાગ્યે પત્ની ગીતાની ઊંઘ ઉડતા બાજુમાં સુવડાવેલા ચાર સંતાન પૈકી ચાર મહિનાનો પુત્ર જોવા મળ્યો ન હતો. જેથી પત્નીએ પોતાને જગાડી પુત્ર અંગે વાત કરી હતી. બાદમાં તેમની આસપાસ સૂતેલા અન્ય શ્રમિક પરિવારોને જગાડીને પુત્ર અંગે વાત કરી હતી, પરંતુ તેઓ અજાણ હોવાનું જણાવ્યું હતું. સવાર સુધી ચાર મહિનાના પુત્રની કોઇ ભાળ નહિ મળતા અંતે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. પીએસઆઇ જી.એન. વાઘેલાએ અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસનીશ અધિકારી વાઘેલાના જણાવ્યા મુજબ, બનાવ સ્થળે સીસીટીવી કેમેરા ન હોય આસપાસના વિસ્તારનાસીસીટીવી કેમેરા તપાસવા કામગીરી શરૂ કરી છે.