વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ 2023 માટે ભારતનો અંદાજિત આર્થિક વિકાસદર જૂન, 2022ના 7.5%ના પાછલા અંદાજથી એક ટકો ઘટાડીને 6.5% કર્યો છે. ભારતની આર્થિક વૃદ્ધિમાં કાપ માટે વર્લ્ડ બેન્કે આંતરરાષ્ટ્રીય સ્થિતિનું કારણ આપ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેન્કની વાર્ષિક બેઠક પહેલાં લેટેસ્ટ સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ જારી કરતા વર્લ્ડ બેન્કે જણાવ્યું કે ભારત વિશ્વના અન્ય ભાગોની સરખામણીમાં મજબૂત બની રહ્યું છે. ગત વર્ષે ભારતીય અર્થતંત્રએ 8.7%ના દરે વૃદ્ધિ કરી.
વર્લ્ડ બેન્કના દક્ષિણ એશિયાના ચીફ ઇકોનોમિસ્ટ હેઇન્સ ટિમરે કહ્યું કે ભારતીય અર્થતંત્રએ દક્ષિણ એશિયાના અન્ય દેશોની સરખામણીમાં સારો દેખાવ કર્યો છે. કોરોના મહામારીમાંથી ઉભર્યા બાદ ભારતીય અર્થતંત્રમાં તેજીથી ઉછાળો આવ્યો છે. ભારત ઉપર કોઇ મોટું વિદેશી દેવું નથી. આ મુદ્દે તેને કોઇ સમસ્યા નથી અને તેની નાણાકીય નીતિ સમજદારીપૂર્ણ રહી છે.
ભારતીય અર્થતંત્રએ ખાસ કરીને સર્વિસ સેક્ટરમાં તથા સર્વિસ એક્સપોર્ટમાં સારો દેખાવ કર્યો છે. તેમ છતાં અમે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ઘટાડ્યો છે, કેમ કે ભારત તથા અન્ય તમામ દેશો માટે આંતરરાષ્ટ્રીય માહોલ બગડી રહ્યો છે. કેલેન્ડર યરના બીજા 6 માસિકનો ગાળો ઘણા દેશો માટે નબળો છે અને ભારતમાં પણ પ્રમાણમાં નબળો રહેશે.