પશ્વિમ ગુજરાત વીજકંપની લિમિટેડની ટીમોએ એક સપ્તાહનો વિરામ લીધા બાદ ફરી ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે અને મંગળવારે ગોંડલ, કોટડાસાંગાણી, ઉના, ધોકડવા, અંજાર અને મેઘપરમાં વીજચેકિંગ હાથ ધરી રૂ. 57.80 લાખની વીજચોરી ઝડપી હતી.
પીજીવીસીએલના સૂત્રોએ જણાવ્યા અનુસાર કોટડાસાંગાણી, ગોંડલ શહેર-રૂરલ સહિત કુલ 13 ગામમાં 32 ટીમ દ્વારા 547 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા અને 78માં ગેરરીતિ ઝડપી લઇ રૂ.14.99 લાખના બિલો ફટકારવામાં આવ્યા હતા. ઉના શહેર-ધોકડવામાં 7 ગામમાં વીજચેકિંગ માટે 31 ટીમ ત્રાટકી હતી અને 232 વીજ કનેક્શન ચેક કરી 81માંથી ગેરરીતિ ઝડપી લઇ રૂ.18.41 લાખની ગેરરીતિ ઝડપી લીધી હતી. જ્યારે અંજાર શહેર અને મેઘપરમાં 28 ચેકિંગ ટુકડીઓ ત્રાટકી હતી અને 312 વીજ કનેક્શનની ચકાસણી કરી હતી જેમાંથી 43માં રૂ.24.40 લાખની વીજચોરી ઝડપાઇ હતી.