નોટબંધીના 8 વર્ષ બાદ પણ દેશના 90 ટકા નાગરિકો હજુ એવું માને છે કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં કાળા નાણાનો નિરંકુશ ઉપયોગ થઈ રહ્યો છે. જમીન અને સંપત્તિઓ માટે કેન્દ્રીય ડેટા બેઝ તૈયાર કરવાના સરકારના પ્રયાસને હજુ ઘણી લાંબી મજલ કાપવી પડશે કારણ કે 62 ટકા પ્રોપર્ટીધારકોએ હજુ પણ આધાર સાથે સંપત્તિ લિંક કરી નથી. લોકલસર્કલ્સ હાથ દેશના 372 જિલ્લામાં વસતા 46 હજારથી વધુ નાગરિકો સાથે હાથ ધરેલા સરવેમાં આ વિગતો સામે આવી છે.
સરવેમાં સામેલ માત્ર 20 ટકાએ જ તેમની સંપત્તિને આધાર સાથે લિંક કરી હોવાનું જણાવ્યું. રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રને કાળા નાણાનું મુખ્ય સ્રોત અથવા તો સમાંતર અર્થવ્યવસ્થાના સ્તંભ રૂપે ટાંકવામાં આવે છે ત્યારે 67 ટકા લોકોએ એવો મત વ્યક્ત કર્યો કે સંપત્તિ જાહેર ન કરનારા મંત્રીઓ અને સરકારી અધિકારીઓને ફાઈનલ નોટિસ આપીને ટર્મિનેટ કરવા જોઈએ. નોંધનીય છે કે, 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી જાહેર કરીને 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી હટાવવામાં આવી હતી. દેશમાં કાળા નાણા અને ભ્રષ્ટાચારને નાથવાના મુખ્ય ઉદ્દેશ્યો પૈકી નોટબંધી લાગુ કરવામાં આવી હતી.