અંબાજીમાં નવરાત્રીના પ્રારંભે નીજ મંદિરમાં ઘટસ્થાપન વિધિ યોજાઈ હતી. એક માઈ ભક્તે 1.37 લાખનો સુવર્ણ હાર સહીત એક લાખ રોકડનું દાન કર્યું હતું. પ્રથમ નોરતે એક લાખથી પણ વધુ માઈ ભક્તો માં અંબાના દર્શન કરી પાવન બન્યા હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું.
નવરાત્રીના પ્રારંભે શક્તિ ધામ અંબાજી વહેલી સવારથીજ શ્રદ્ધાળુઓ થી ઉભરાયું હતું. જેને લઇ વહેલી સવાર થીજ દર્શનાર્થીઓનો ઘસારો મંદિરમાં જોવા મળ્યો હતો. દરમ્યાન દસેક વાગ્યાના સુમારે શુભ મુહૂર્તમાં માતાજીના નીજ મંદિર સભા મંડપમાં પ્રાચીન પ્રણાલી અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ વૈદિક મંત્રોચાર સાથે માતાજીના આહવાન રૂપે ઘટસ્થાપન અને જવારા વાવવામાં આવ્યા હતા. પૂજારી ભટ્ટજી મહારાજ દેવાંગભાઈ ઠાકરના હસ્તે પૂર્ણ કરવામાં આવેલ. ઘટસ્થાપનમાં યજમાન પદે મંદિર ટ્રસ્ટના વહીવટદાર આર. કે. પટેલે પૂજાવિધિ સંપન્ન કરી હતી.
નવરાત્રીનું ખાસ કરીને શક્તિ ઉપાસકો માટે મહત્વનું હોઈ અંબાજી ધામ અને મંદિર હકડેઠઠ શ્રદ્ધાળુઓથી ઉભરાયું હતું. પ્રથમ નોરતે એક લાખથી પણ વધુ શક્તિ ઉપાસકોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનુ ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું. બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં પ્રથમ નોરતે સવારે શુભ મુહૂર્તમાં માતાજીની માંડવડીયોની ચાચર ચોકમાં સ્થાપના કરાઈ હતી.