શ્રાવણ માસનો આગામી ઓગસ્ટ મહિનામાં પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ભારતીય રેલવે અને આઇઆરસીટીસી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત પવિત્ર શ્રાવણ મહિના નિમિત્તે સાત જ્યોતિર્લિંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 10 દિવસ અને 9 રાત્રીની આ શ્રાવણ સ્પેશિયલ ટ્રેન તા.3-8ના રોજ રાજકોટ જંક્શનથી પ્રસ્થાન કરશે. યાત્રિકોને ટ્રેનમાં જ શાકાહારી ભોજન મળી રહે તે માટે ટ્રેનમાં જ પેન્ટ્રી કાર રાખવામાં આવી છે.
યાત્રિકને સવારે ચા-નાસ્તો તેમજ સવાર-સાંજનું જમવાનું પણ તેમની સીટ પર જ આપવામાં આવશે. એટલું જ નહિ યાત્રિકોને મુસાફરી દરમિયાન માહિતીઓ મળી રહે તે માટે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાડવામાં આવી છે. જે જે શહેરોમાં રોકાણ હશે ત્યાં હોટેલમાં રહેવાની વ્યવસ્થા તેમજ શહેરમાં ધાર્મિક સ્થળોની મુલાકાત માટે બસની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
આ શ્રાવણ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સાત જ્યોતિર્લિંગ એવા મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ત્રંબકેશ્વર, ભીમાશંકર, ગ્રિષ્ણેશ્વર, પરલીવૈજનાથ, મલ્લિકાર્જુનના દર્શન કરાવી તા.12-8ના રોજ પરત રાજકોટ આવશે. શ્રાવણ સ્પેશિયલ ટ્રેનનું આઇઆરસીટીસી દ્વારા બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાત જ્યોતિર્લિંગની જાત્રા કરવા જવા ઇચ્છતા લોકો www.irctctorism.com પરથી તેમજ આઇઆરસીટીસીના અધિકૃત એજન્ટ પાસે ટિકિટ બુક કરાવી શકે છે.