ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શરૂ થયાને એક મહિનાનો સમય વીતી ગયો છે. અત્યાર સુધી અંદાજે 20 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. પરંતુ, યાત્રા જલદી પૂરી કરવાની લહાયમાં શ્રદ્ધાળુઓનાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં 100 શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે. ગત વખતે યાત્રાના પૂરા છ મહિના દરમિયાન 243 મોત થયાં હતાં. આ વખતે એક મહિનામાં તેનાથી અડધાં મોત થઇ ચૂક્યાં છે. અંદાજે 32 મૃતક 25થી 45ની ઉંમરના છે. બાકી તેનાથી મોટા છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર સૌથી વધુ 49 મોત કેદારનાથ માર્ગ પર થયાં છે. બદ્રીનાથ, યમુનોત્રીમાં અનુક્રમે 22-22 તો ગંગોત્રીમાં 7 શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે. દરેકનાં મોતનું એક જ કારણ હાર્ટએટેક રહ્યું. આરોગ્ય વિભાગ અનુસાર જે લોકોનાં મોત થયાં છે તે તમામ ગરમ રાજ્યોમાંથી અહીં પહોંચ્યા હતા.