ગુરુવારે જાહેર થયેલા ગ્લોબલ હંગર ઇન્ડેક્સ-2023માં ભારત 111મા ક્રમે છે. 125 દેશોને આવરી લેતા ઇન્ડેક્સના તારણોને ભારત સરકારે ખામીભર્યા તથા બદઇરાદાપૂર્વકના ગણાવ્યા હતા. રિપોર્ટ અનુસાર ભારતમાં ભૂખમરાની સ્થિતિ ગંભીર છે. ઇન્ડેક્સમાં પાકિસ્તાન 102મા ક્રમે, બાંગ્લાદેશ 81મા, નેપાળ 69મા તથા શ્રીલંકા 60મા ક્રમે છે. એટલે કે રિપોર્ટ અનુસાર ભૂખમરાની બાબતમાં ભારત કરતા પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતના પડોશી દેશોમાં સ્થિતિ વધુ બહેતર છે.
ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર 28.7 છે. જ્યારે સૌથી વધુ ભૂખમરો ધરાવતો સહારા વિસ્તાર 27ના સ્કોર સાથે સૌથી વધુ ભૂખમરો છે. ભારતમાં 15થી 24 વર્ષની મહિલાઓમાં એનેમિયાના પ્રમાણનો સ્કોર 58.1 ટકા છે. ભારત સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલયે ઇન્ડેક્સના તારણોને ફગાવતા કહ્યું હતું કે રિપોર્ટમાં ભારતની સાચી સ્થિતિ રજૂ કરાઈ નથી.