ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે નવમો દિવસ છે. માનવતાના દૃષ્ટિકોણથી રવિવારે મોડી રાત્રે એક સારા સમાચાર આવ્યા. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને CNNને જણાવ્યું કે ઇઝરાયલે દક્ષિણ ગાઝામાં પાણી પુરવઠો ફરી શરૂ કરી દીધો છે.
સુલિવનના જણાવ્યા મુજબ પાણી પુરવઠાને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે ફોન પર વાતચીત બાદ લેવામાં આવ્યો. ગાઝામાં 8 દિવસથી વીજળી, પાણી, ખોરાક અને દવાઓનો પુરવઠો બંધ છે. અત્યારે માત્ર પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સુલિવને સીબીએસ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યું કે ઈરાન ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં સીધું સામેલ થવાનો ભય છે. તેમણે કહ્યું કે અમેરિકા હાલમાં ઈરાન સાથે બેક ચેનલ વાટાઘાટોમાં છે.
આ દરમિયાન ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના 10 હજાર સૈનિકો ગાઝામાં ગ્રાઉન્ડ એટેકની તૈયારી કરી રહ્યા છે. સરહદ પર ઇઝરાયલી ટેન્ક તહેનાત છે. તે જ સમયે, ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન પહેલા, લગભગ 15 હજાર લોકોને ઇઝરાયલ સરહદને અડીને આવેલા ઝેરોથ શહેરમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઈઝરાયલ દ્વારા લોકોને નોર્થ ગાઝા ખાલી કરવા માટે આપવામાં આવેલો સમય પણ સમાપ્ત થઈ ગયો છે.