સૌરાષ્ટ્રના મેડિકલ હબ ગણાતા રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ શહેર-જિલ્લા ઉપરાંત 11 જિલ્લામાંથી દર્દીઓ સારવાર માટે આવે છે અને 20 એકર વિસ્તારમાં પથરાયેલી સિવિલ હોસ્પિટલમાં દરરોજના એવરેજ 4000થી વધુ દર્દીઓ સારવારમાં આવે છે. આ સિવિલ હોસ્પિટલમાં 30 જેટલા અલગ-અલગ વિભાગો આવેલા છે ત્યારે ક્યો વિભાગ ક્યા બિલ્ડિંગમાં આવેલો છે તેના ચોક્કસ સાઇન બોર્ડના અભાવે સારવાર માટે રાજકોટ અને બહારગામથી આવતા દર્દીઓને ઠેર-ઠેર ભટકવું પડતું હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે.
સામાન્ય રીતે કોઇપણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જાવ તો ત્યાં પણ લેબોરેટરી ક્યા છે, સ્પેશિયલ રૂમ ક્યા છે, જનરલ રૂમ કયા છે, ઓપીડી ક્યા છે, ઇમર્જન્સી વિભાગ ક્યા છે, મેડિકલ સ્ટોર ક્યા છે, એક્સ-રે વિભાગ ક્યા છે સહિતના બોર્ડ મારેલા હોય છે ત્યારે 20 એકરમાં પથરાયેલી રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આંખનો વિભાગ, કાન-નાક-ગળાનો વિભાગ, ટ્રોમા સેન્ટર, જનરલ સર્જન, એક્સ-રે વિભાગ, બાળકોનો વિભાગ, જનાના વિભાગ સહિત અલગ-અલગ 30 જેટલા વિભાગો આવેલા છે, પરંતુ ક્યો વિભાગ ક્યા આવેલો છે તે બહારથી આવેલા દર્દીઓ માટે શોધવું તે એક પડકારથી ઓછું સાબિત થતું નથી.