ઈશ્વરે આપણને શરીરના સ્વરૂપમાં એક બહુમૂલ્ય ભેટ આપી છે. તમારે પોતાનું જીવન સંપૂર્ણ આનંદ સાથે જીવવાની સાથે તેને સુંદર પણ બનાવવાનું છે. તમારા જીવનમાં ભલે સંપૂર્ણ આનંદ હોય, અનેક સફળતાઓ મેળવી હોય, રૂપિયા-પૈસાથી સમૃદ્ધ હોવ, સમાજમાં પ્રતિષ્ઠા હોય, પરંતુ તેનાથી જીવન સુંદર બની જતું નથી. જીવન સાચી વિચાર પ્રક્રિયા અને સારા એટીટ્યુડથી સારું બને છે. જીવન સુંદર થાય છે, ઉચિત સમયે યોગ્ય ભાવનાઓની અભિવ્યક્તિથી. એટલે કે, મગજ અને મનનું ઉચિત સંતુલન જ જીવનને સુંદર બનાવે છે. જો આપણાં વિચારો સાચા છે, ભાવનાઓ સાચી છે, તો જ જીવન સુંદર બનશે. જેના માટે ઈશ્વરની ભેટનું મહત્ત્વ સમજવું પડશે. કોઈ તમને હીરો આપે અને તેમે કિંમતથી પરિચિત હોવ, તો તેને સાચવીને રાખશો. આ જ રીતે શરીર પણ ભેટમાં મળેલું છે, તંદુરસ્ત રહીને તેનો મહત્તમ ઉપયોગ કરવાનું જાણી લઈશું તો જીવન સુંદર બની જશે.
હવે તમે પોતાના શરીરનું મહત્ત્વ સમજી લેશો. તો જીવનને વધુ સુંદર બનાવી શકો છો. તેના માટે શરીરની સાથે સંકળાયેલા ગર્વના ભાવને પણ સમજવો પડશે. આ શરી જ તમને બીજા પશુઓથી અલગ બનાવે છે. જો તમે સતત થાકેલા, કંટાળેલા અનુભવો છો, ટૂંકા વિચારોમાં જીવન પસાર કરી દેશો તો જીવન પશુઓ જેવું બનીને રહી જશે. બીજી તરફ, સવારે જાગીને નોકરીએ જાઓ છો, સાંજે પાછા ઘરે આવો, જમો છો, બાળકો સાથે સમય પસાર કરો છો તો અને જો આ જ તમારું જીવન છે તો પશુ અને તમારા જીવનમાં કોઈ ખાસ અંતર નથી. આપણે સમજવું પડશે કે, આપણે કઈ ગરીમા અને ગૌરવ સાથે જીવનના 70-80 વર્ષ જીવીએ, જો તમે તેનો ખ્યાલ નહીં રાખો તો જીવનના 70-80 વર્ષ એક રૂટીનની જેમ જ પસાર થઈ જશે. દિવસમાં 24 કલાક હોય છે, સેકન્ડ્સમાં વહેંચો તો રોજની 86,400 સેકન્ડ્સ છે. દરરોજ લગભગ દોઢ લાખ લોકો આ દુનિયામાંથી વિદાય લે છે. એટલે કે, દર બે સેકન્ડે ત્રણ લોકો મૃત્યુ પામે છે. કોઈ દાવા સાથે કહી શકે નહીં કે, તે આવતીકાલનો સૂર્ય જોઈ શકશે કે નહીં. આપણે જ્યારે જાણતા જ નથી કે આવતીકાલે આપણે જીવતા હોઈશું કે નહીં તો જીવનને સુંદર બનાવવા માટે સમયનો વિવેકપૂર્ણની સાથે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે.