જામનગરમાં રણજિતનગરમાં છેલ્લાં 6 દાયકાથી યુવક ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં અંગારા રાસમાં 12 ખેલૈયા સતત 12 મિનિટ સુધી સળગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. આ માટે ખેલૈયા સતત બે મહિના પ્રેકટીસ કરે છે. ગરબીના ગ્રાઉન્ડમાં કપાસિયાના બી થી અંગારા કરવામાં આવે છે. આટલું જ નહીં રાસ દરમ્યાન એક ખેલૈયાના હાથમાં બે મશાલ હોય છે. ખેલૈયા રમતા રમતા સ્વસ્તિકનું પ્રતીક બનાવે છે. અંગારા રાસ દરમ્યાન ખેલૈયા પગમાં પણ કોઇપણ પ્રકારનું લોશન કે ક્રીમ લગાડતા નથી. તદઉપરાંત આ ગરબી મંડળનો તલવાર, દાતરડા, હુડો અને મશાલ રાસ પણ ખૂબજ પ્રખ્યાત છે.
શહેરના રણજીતનગરમાં પટેલ યુવક મંડળ દ્વારા સરદાર પટેલ ચોકમાં ચાલતી ગરબી પોતાના વિવિધ પ્રાચીન રાસને કારણે પ્રખ્યાત છે. આ ગરબી દ્વારા સળગતા અંગારા પર મશાલ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બે મહિનાની સખત પ્રેક્ટિસ બાદ યુવકોએ આ રાસ રજૂ કર્યો હતો.