જાપાનમાં સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) ગઠબંધન સંસદમાં બહુમતી મેળવવામાં સફળ રહ્યું નથી. એલડીપીને માત્ર 191 બેઠકો મળી અને 65 બેઠકો ગુમાવી. છેલ્લા 15 વર્ષમાં પાર્ટીનું આ સૌથી ખરાબ પરિણામ છે. એલડીપી અને તેના સહયોગી કોમેટોને મળીને 215 બેઠકો મળી છે.
સરકાર ચલાવવા માટે ગઠબંધનને 233 બેઠકો મેળવવી પડશે. જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ ગયા મહિને પાર્ટીના અધ્યક્ષ પદ માટે ચૂંટણી જીતી હતી, ત્યાર બાદ તેઓ દેશના વડાપ્રધાન બન્યા હતા. આ પછી ઈશિબાએ ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.
ચૂંટણીના પરિણામો બાદ જાપાનના પીએમે કહ્યું કે ચૂંટણી પરિણામો તેમની તરફેણમાં આવ્યા નથી. જનતાએ કઠોર ચુકાદો આપ્યો છે. તેઓ તેને નમ્રતાથી સ્વીકારી રહ્યા છે, પરંતુ આ ક્ષણે તેઓ વધુ પક્ષો ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યાં નથી.
ચૂંટણી પહેલા જાપાની મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે જો એલડીપીને બહુમતી નહીં મળે તો પીએમ ઈશિબા પદ છોડી શકે છે. જો આવું થયું હોત, તો તે બીજા વિશ્વ યુદ્ધ પછી સૌથી ઓછા સમયગાળા માટે વડાપ્રધાન તરીકે સેવા આપનાર વ્યક્તિ બની ગયા હોત. જો કે, ઈશીબાએ કહ્યું કે તેઓ પદ પર રહેશે.