ધોરાજીમાં રાજકોટ રૂરલ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે 1.10 કિગ્રા ચરસના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી તેની પાસેથી ચરસ, ફોન તેમજ રોકડ મળી કુલ રૂ. 1,72,590નો મુદામાલ કબજે લઇ આ જથ્થો કોની પાસેથી લીધો અને કોને આપવાનો હતો એ સહિતની પૂછપરછ હાથ ધરી છે.
ધોરાજીમાં ચરસના જંગી જથ્થા સાથે એક શખ્સ સરદાર ચોક પાસે હોવાની બાતમીના આધારે એલ.સી.બી. પીઆઇ વી.વી.ઓડેદરા, ડી.જી.બડવા તથા એસ.ઓ.જી.ના પીઆઇ બી.સી.મિયાત્રા સહિતનો સ્ટાફ ત્યાં ધસી ગયો હતો અને જેવો એ શંકાસ્પદ શખ્સ ત્યાંથી પસાર થયો કે તરત તેને રોકીને તેની પૂછપરછ શરૂ કરી હતી અને તે સવાલોના જવાબો આપી ન શકતાં શંકાના આધારે તેની તલાશી લેવામાં આવી હતી અને તે દરમિયાન તેની પાસેથી ચરસનો 1.100 કિગ્રા જથ્થો નીકળી પડ્યો હતો, કે જેની કિંમત 1.65 લાખ થવા જાય છે તેને કબજે લેવામાં આવ્યો હતો અને ધોરાજી શહેર પોલીસ સ્ટેશન ખાતે તેની સામે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાવાયો હતો.