હાઉસિંગ બોર્ડે બનાવેલા મકાનો વચ્ચે આવેલી શેરીમાં 5 માળનું શાળાનું ગેરકાયદે બિલ્ડિંગ બનાવવામાં પણ ભાજપના નેતાના માતા અને બહેનનું નામ બહાર આવ્યું છે. કોઠારિયા કોલોનીના રહેવાસીઓએ અરજી કરતા ગુજરાત હાઉસિંગ બોર્ડના ઈજનેરે 12 ઓક્ટોબર 2023ના ટાઉન પ્લાનિંગ ઓફિસરને પત્ર લખીને સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે, મકાન નં. 280 દ્વારા આગળના ભાગમાં ખુલ્લી જગ્યા છે તે જાહેર રસ્તા પરની છે. જેના પર મકાનધારક દ્વારા દબાણ કરવામાં આવ્યુ છે.
આ વધારાના દબાણ માટે કચેરીએ કોઇપણ પ્રકારનો દસ્તાવેજ કરી આપ્યો નથી તેથી મનપા કચેરીએથી કોઇ મંજૂરી અપાઈ છે કે નહીં તે તપાસ કરવાનું થશે તેમજ દબાણ દૂર કરવાની સત્તા પણ મનપા પાસે છે. હાઉસિંગ બોર્ડે આ પત્ર લખવા છતાં કોઇ કાર્યવાહી ન કરાઈ એટલે શહેરી વિકાસ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરી હતી. જેના ભાગરૂપે 16-10-2023ના શહેરી વિકાસ વિભાગે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી દબાણ અન્વયે કાર્યવાહી કરવા કહ્યું હતું. આમ છતાં સાગઠિયાએ ડિમોલિશન તો દૂર નોટિસ પણ આપી ન હતી.
આખરે સંચાલિકા અવનીબેન ડાંગરના મનપામાં એવા શું છેડા હતા કે કોઇ કાર્યવાહી થતી નથી. જેની તપાસ કરતા ભાજપના અગ્રણી જયદીપ જલુનું નામ સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં ભાજપના તમામ સભ્યો ચૂંટાયા છે આ સભ્યો પૈકી એક જયદીપ અરજણ જલુ છે. આ જયદીપ જલુના માતા ધનગૌરીબેન જ આ સ્કૂલ બિલ્ડિંગના માલિક છે તેમજ સંચાલિકા અવનીબેન ડાંગર એ જયદીપ જલુના સગા બહેન છે.