નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NCDC) દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને લોન અને ગ્રાન્ટના સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો તીવ્ર ઉછાળો નોંધાયો છે. સહકારી મંડળીઓ /સંઘોને NCDC દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે. નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝ (એનસીડી) પોર્ટલ હેઠળ ઉપલબ્ધ ડેટા અનુસાર ગુજરાતમાં 82,143 નોંધાયેલી સહકારી મંડળીઓ છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આ માહિતી આપી હતી.
સહકાર મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, એનસીડીસી તરફથી દેશભરની સહકારી મંડળીઓ/ ફેડરેશનને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે. એનસીડીસી તરફથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં આ સંસ્થાઓને કુલ રૂ. 1,34,670.90ની રકમ લોન તરીકે અને રૂ. 1,200.04 કરોડની રકમ ગ્રાન્ટ તરીકે વિતરણ કરાઈ છે.