ઋતુરાજ ગાયકવાડ ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર્સમાંનો એક છે. આ નામ હવે IPLની સૌથી સફળ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ કરશે. ધોનીએ ઋતુરાજ ઉપર વિશ્વાસ બતાવ્યો છે. ઋતુરાજ રાઇટ હેન્ડેડ ઓપનિંગ બેટર છે જે ડોમેસ્ટિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. 2023 એશિયન ગેમ્સમાં ઋતુરાજની આગેવાનીમાં ભારતીય ટીમે ગોલ્ડ જીત્યો હતો.
દેશ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. પરંતુ IPL 2024ની શરૂઆત પહેલાં જ ધોનીએ તેના ફેન્સને એક ઝટકો આપ્યો છે. ગુરુવારે, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝીએ 5 વખત IPL ટાઈટલ જીતનાર મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને કમાન સોંપી છે. ગાયકવાડ 27 વર્ષનો છે અને ખૂબ જ ઓછા સમયમાં તેણે ક્રિકેટ જગતમાં પોતાનું નામ બનાવ્યું છે. 2023 એશિયન ગેમ્સમાં ઋતુરાજની આગેવાનીમાં ભારતીય ટીમે ગોલ્ડ જીત્યો હતો. CSKના આ નવા કેપ્ટન આટલી નાની ઉંમરે જ કરોડોમાં કમાણી કરી રહ્યો છે.
ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડનો જન્મ 31 જાન્યુઆરી 1997ના રોજ મહારાષ્ટ્રના પુણે શહેરમાં થયો હતો. બાળપણથી જ ક્રિકેટમાં રસ ધરાવતા ઋતુરાજ ગાયકવાડે 19 વર્ષની ઉંમરે 2016-17ની રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્ર માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. IPLમાં તેની એન્ટ્રી વર્ષ 2019માં થઈ હતી, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે તેને ઓક્શન દરમિયાન 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર ખરીદ્યો હતો. હવે તેને CSKનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.