ભારતીય શેરમાર્કેટની તેજીનો લાભ રોકાણકારોની સાથે સરકારને પણ ફળ્યો છે. ભારતીય રોકાણકારો રિસ્ક સાથે કમાણી કરી રહ્યાં છે જ્યારે સરકાર વગર રિસ્કે જંગી કમાણી કરી છે. નાણાવર્ષ 23-24માં સરકારને કુલ પર્સનલ ટેક્સ કલેક્શન દ્વારા 12.01 લાખ કરોડની આવક કરી છે જે અગાઉના વર્ષે 9.67 લાખ કરોડ હતી આમ 24.26 ટકા ટેક્સ કલેક્શનમાં વધુ કમાણી કરી છે.
વૈશ્વિક બજારો સાથે ભારતીય ઇક્વિટી બજાર તાલ મિલાવી રહ્યું છે ત્યારે વેગ આપવા માટે સરકાર દ્વારા બજેટમાં જો સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અને કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ દૂર કરવામાં આવે તો અનેક નવા રોકાણકારો જોડાઇ શકે છે. સરકાર રોકાણકારો પાસેથી બેવડો ટેક્સ લે છે જેમકે ઇનકમ ટેક્સ સ્લેબ આધારિત અને એસટીટી. રોકાણકારોને બજેટમાં એસટીટી અને સીટીટી નાબુદ થાય તેવી આશા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી શેરબજારમાં તેજીના પગલે સરકારને સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેકસમાં ખૂબ જ મોટી આવક થઈ રહી છે. શેરબજારમાં વધતાં જતાં ટર્ન ઓવરને લઈને સરકારને ટેક્સની આવકમાં મોટી વૃદ્ધિ જોવા મળી રહી છે. શેરબજારના રોકાણકારો પર ટેક્સનું ભારણ વધારે છે.
સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન શેરો ખરીદ-વેચાણ ઉપર વસૂલવામાં આવે છે. ઉપરાંત નફા પર શોર્ટટર્મ ટેક્સ અથવા લોંગટર્મ કેપીટલ ગેઈન ટેક્સની પણ જવાબદારી હોય છે. આમ જોવા જઈએ તો ડબલ ટેક્સ ચૂકવવાનો આવે છે. સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવવાની હોય છે. ઉપરાંત જી.એસ.ટી પણ ચૂકવવાનો થાય છે એટલે ડબલ ટેક્સ લાગુ પડે છે.