ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન રોહિત શર્માને પૂરઝડપે કાર હંકારવા બદલ ટ્રાફિકનો મેમો ભરવો પડ્યો હતો. મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે ઉપર કલાકના 200 કિલોમીટરની ગતિએ કાર હંકારી હતી. કારની ગતિ એકથી વધુ વાર 215 કિમી સુધી પણ પહોંચી ગઈ હતી. તેમને 3 વાર મેમો મળ્યો છે.
રોહિત હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપ દરમિયાન પોતાની ટીમના અન્ય સભ્યો સાથે જોડાવા માટે કાર હંકારીને જઈ રહ્યો હતો. ટ્રાફિક પોલીસના જણાવ્યા પ્રમાણે રોહિતને ઑનલાઇન ચલાન ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે ક્રિકેટ ચાહકો તથા રોહિત શર્માના પ્રશંસકોમાં ચિંતા પ્રસરી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંત ઓવરસ્પીડના કારણે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માતને કારણે હજુપણ પંત ક્રિકેટના મેદાનમાં પરત આવી શક્યો નથી.