શહેરના જામનગર રોડ, મનહરપુર-1 ગામની અને હાલ બજરંગવાડીમાં માવતરે રહેતી સોનલ નામની પરિણીતાએ પતિ મયૂર વિનોદભાઇ ધરજિયા સામે માર મારી ઇજા પહોંચાડ્યાની તેમજ લગ્નજીવન દરમિયાન શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ત્રણ વર્ષ પૂર્વે મયૂર સાથે પરણેલી સોનલનો પતિ છેલ્લા એક વર્ષથી કોઇ કામધંધો કરતો ન હોય ઘરમાં સામાન્ય બાબતોએ ઝઘડા કરી દારૂ પીને માર મારતો હતો.
જેને કારણે અગાઉ રિસામણે જતી રહેતા પતિ સમાધાન કરી પરત સાસરે લઇ જતો હતો, પરંતુ થોડો સમય સારી રીતે રાખ્યા બાદ ફરી પતિ વારંવાર ત્રાસ આપતો હોય બે મહિના પહેલા પોતે માવતરે આવી ગઇ હતી. ત્રણ દિવસ પહેલા પોતાને પરત લઇ જવાના મુદ્દે ઘરે આવી ઝઘડો કરતા પોલીસને ફોન કર્યો હતો. જેથી પતિ જતો રહ્યો હતો. ત્યાર બાદ પોલીસમાં અરજી આપી હતી. દરમિયાન તા.16ની રાતે સાડા અગિયાર વાગ્યે ફરી ઘરે આવી પોતાને તેમજ પુત્રને સાથે લઇ જવાના મુદ્દે ઝઘડો કરી પોતાને માર માર્યો હતો. માતા વચ્ચે પડતા તેમને પણ ધક્કો મારી પછાડી દઇ ઇજા પહોંચાડી નાસી ગયો હતો. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.