રાજેશ ભજગોતર સોમનાથમાં પાર્વતીજીના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થશે.સોમનાથમાં ભાવિકો માટે વધુ એક દર્શનીય સ્થળનો ઉમેરો કરવામાં આવનાર છે. અગાઉ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ સ્વ કેશુભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ભવ્ય શક્તિપીઠ પાર્વતીજીના મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ મંદિર સફેદ માર્બલથી દરિયાની નજીક અને સોમનાથ મંદિરના સંકુલમાં 21 કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે જેમાં સુરતના હીરાના ઉદ્યોગપતિ તેના મુખ્ય દાતા છે. સોમનાથ હરિ અને હરની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ નિજધામ પધાર્યા એ મંદિર પણ છે, તો ત્રિવેણી સંગમ નજીક ભવ્ય રામમંદિર પણ બન્યું છે પરંતુ અહીં પાર્વતી માતાજીનું મંદિર નહોતું. આથી સોમનાથ ટ્રસ્ટે 6,000થી 7,000 ચોરસ મીટર જગ્યામાં પાર્વતી માતાજીનું મંદિર નિર્માણ કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી સુરતના હીરાના વેપારી ભીખુભાઇ ધામલિયાએ આ મંદિરનો 21 કરોડનો ખર્ચ આપવાનો સંકલ્પ કર્યો હતો. તેમના હસ્તે બે વર્ષ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.