હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, પોર્ટ પર LC 3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
વડોદરાના ડભોઇ તાલુકાના અરણિયા અને આશગોલ ગામ સંપર્ક વિહોણા થયા છે. ઉપરવાસમાં વરસાદને પગલે હેરણ નદીમાં પાણીની ભરપૂર આવક થતા અરણીયાને જોડતા કોઝવે ઉપરથી પાણી પસાર થતા ગામ સંપર્ક વિહોણું થયું છે. હેરણ નદી બંને કાંઠે વહેતા આસગોલ અને અરનીયા ગામ થયા સંપર્ક વિહોણા થતા તલાટી મંત્રીએ સ્થળ ઉપર પહોંચી તંત્રને જાણ કરી છે. હેરણ નદીમાં પૂરની પરિસ્થિતિને લઇ હાલ તંત્ર એલર્ટ પર છે.
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ચાણોદ પાસે મલ્હાર રાવ ઘાટના 95 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું છે. ત્રણેય જિલ્લા કલેક્ટરને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરાઈ છે.