ધર્મના પંથે જવાનું રટણ રટતો 16 વર્ષનો તરુણ ભેદી રીતે લાપતા થતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. જૂના મોરબી રોડ, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી-3માં રહેતા અરવિંદભાઇ વાલજીભાઇ સોરઠિયા નામના વેપારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને બે સંતાન પૈકી 16 વર્ષનો પુત્ર યશ છે. વિઝન હાઇસ્કૂલમાં ધો.11માં ભણે છે.
દરમિયાન ગત તા.20ની રાતે દસ વાગ્યે પુત્ર યશ ગરબી જોવા જતો હોવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. પોતે કામ પતાવી ઘરે આવતા પુત્ર વિશે પૂછતા તે ગરબા જોવા ગયાનું જણાવ્યું હતું. બાદમાં મોડી રાત સુધી પુત્ર યશ ઘરે નહિ આવતા મોબાઇલ પર ફોન કર્યો હતો. અનેક વખત ફોન કરવા છતાં પુત્રે ફોન રિસીવ કર્યો ન હતો.
ગરબા રમવા ગયો હોય ફોન નહિ ઉપાડ્યાનું જાણી પત્ની અને પોતે પણ સૂઇ ગયા હતા. ત્યારે દીકરી વહેલી સવારે જાગી ઘરની બહાર આવતા ફળિયામાંથી યશનો મોબાઇલ, પર્સ, ઇલેક્ટ્રિકટ બાઇકની ચાવી વગેરે મળી આવ્યા હતા. આસપાસ તપાસ કર્યા બાદ તેના મિત્રોને ત્યાં તપાસ કરી હતી. તેમ છતાં પુત્રની કોઇ ભાળ મળી ન હતી.