આ વર્ષે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં T20 વર્લ્ડ કપ યોજાવાનો છે. ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં લીગ મેચ રમાવાની છે. આ મેચ પહેલેથી જ સોલ્ડ આઉટ થઈ ગઈ છે, એટલે કે તેની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. હવે કેટલીક રિસેલ વેબસાઈટ પર મેચની ટિકિટ 1.86 કરોડ રૂપિયા સુધી વેચાઈ રહી છે.
અમેરિકન ન્યૂઝ વેબસાઈટ યુએસએ ટુડે અનુસાર, ભારત-પાક મેચની રિસેલ ટિકિટ StubHub અને SeatGeek જેવી વેબસાઈટ પર લાઈવ થઈ ગઈ છે. StubHub પર હાલમાં સૌથી સસ્તી ટિકિટની કિંમત US $1,259 એટલે કે રૂ. 1.04 લાખ છે. SeatGeek પર સૌથી મોંઘી ટિકિટની કિંમત 1 લાખ 75 હજાર ડોલર છે. $50,000ની ફી ઉમેરીને ટિકિટની કુલ કિંમત $2 લાખ 25 હજાર છે. ભારતીય ચલણમાં આ રકમ 1.86 કરોડ રૂપિયા છે.
રિસેલ ટિકિટો એવી ટિકિટો છે, જે કોઈએ સત્તાવાર માધ્યમથી ખરીદી છે અને પછી એને અન્ય પ્લેટફોર્મ પર વેચી છે. અમેરિકામાં આ રીતે ટિકિટ વેચવી કાયદેસર છે.
T-20 વર્લ્ડ કપમાં દરેક ટીમને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. દરેક ગ્રુપમાં 5 ટીમ છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકા પણ આ ગ્રુપમાં છે. ભારત અને પાકિસ્તાન તેમની તમામ મેચ અમેરિકામાં જ રમશે. ભારતની બે મેચની ટિકિટ વેચાઈ ગઈ છે. ભારત-પાકિસ્તાન મેચ ઉપરાંત ભારત-કેનેડા મેચ પણ આમાં સામેલ છે.