રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારને અડીને આવેલા નીલકંઠ પાર્કમાં અને આસપાસના રોડ પર ઈઝરાયલ બોયકોટના ઈંગ્લિશ લખાણવાળા કોઈ અસામાજિક તત્ત્વોએ પોસ્ટર લગાડ્યા હતા. આ અંગેનો વીડિયો ફરતો થતાં ભક્તિનગર પોલીસ અને એસઓજીએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતાં જંગલેશ્વરમાં રહેતા ચાર મુસ્લિમ શખ્સોએ આ પોસ્ટર લગાડ્યાનું સ્પષ્ટ થતાં ચારેયની અટકાયત કરીને તેઓની આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ઈઝરાયલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે છેલ્લા 18 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે શાંત ગણાતા રાજકોટ શહેરમાં જંગલેશ્વરને અડીને આવેલા વિસ્તારોમાં ઈઝરાયલ બોયકોટના ઈંગ્લિશ લખાણવાળા પોસ્ટર કેટલીક જગ્યાએ ચોંટાડવામાં આવ્યા હતા. આ પોસ્ટરનો કોઈ સાઇકલસવાર વ્યક્તિએ વીડિયો બનાવીને ફરતો કર્યો હતો. ટૂંક સમયમાં જ આ વીડિયો અંગેની જાણકારી ભક્તિનગરના પોલીસ ઈન્સ્પેક્ટર મયૂરધ્વજસિંહ સરવૈયા અને તેની ટીમને થતાં તાકીદે નીલકંઠ પાર્ક અને તેની આજુબાજુના વિસ્તારમાં જઈને તપાસ કરતા ઈઝરાયલ બોયકોટ લખેલા પોસ્ટર દીવાલ પર ચોંટેલા જોવા મળ્યા હતા.