દેશમાં ઝડપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સીધો ફાયદો ઓટો ઇન્ડસ્ટ્રીઝને મળ્યો છે. આ ઉપરાંત કોરોના મહામારી બાદ દેશમાં ઝડપી ગ્રોથ સાધતા સેક્ટરમાં ઓટો સેક્ટર ટોચના સ્થાને રહ્યું છે. ઝડપી ગ્રોથની સાથે-સાથે કંપનીઓ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીને પણ મહત્વ આપ્યું છે. કંપનીઓ દ્વારા સૌથી વધુ કામગીરી પર્યાવરણ બચાવ ઝુંબેશ પર રહી છે. ઓટો ક્ષેત્રે ઇલેક્ટ્રીક વાહનોના વધતા ઉત્પાદન અને માગના કારણે ક્રાંતિ સર્જાઇ છે ત્યારે કંપનીઓ દ્વારા વધુને વધુ પર્યાવરણ બચાવવા પર ફોકસ રહ્યું છે તેવો નિર્દેશ લેન્ડમાર્ક ગ્રુપ લિ.ના પ્રમોટર અને એક્ઝિક્યુટિવ ચેરમેન સંજય ઠક્કરે દર્શાવ્યો હતો.
વધુમાં તેઓએ કહ્યું કે ગુજરાતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગેવાનીમાં મિશન મિલિયન ટ્રીઝ આપણા પર્યાવરણનું સંરક્ષણ કરવા માટેની એક આવશ્યક પહેલ છે. આ પહેલ મારફતે અમારો ઉદ્દેશ વિવિધ વિસ્તારોમાં એક મિલિયન વૃક્ષોનું વાવેતર કરવાનો છે. અમારો મુખ્ય આશય વૃક્ષોનું વાવેતર કરીને આબોહવામાં પરિવર્તનનો સામનો કરવાનો, કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવાનો તથા પર્યાવરણલક્ષી જાગૃતિ વધારવાનો છે.