સેબીએ સિક્યોરિટી માર્કેટમાં રોકાણકારોના હિતોના રક્ષણને સુનિશ્ચિત કરવા માટે કોઇપણ પ્રકારના ફ્રોડને શોધીને તેને રોકવા માટે સ્ટોક બ્રોકર્સને એક ઇન્સ્ટિટ્યૂશનલ મિકેનિઝમ સ્થાપિત કરવા માટેનો પરિપત્ર જારી કર્યો છે. તે ઉપરાંત પરિપત્રમાં ટ્રેડિંગ પ્રવૃત્તિઓ અને આંતરિક નિયંત્રણોના સર્વેલન્સ માટે સિસ્ટમનું અમલીકરણ, વ્હિસલ બ્લોઅર પોલિસીની રજૂઆત સહિત કેટલીક અન્ય જવાબદારીઓનો સમાવેશ થાય છે.
આ જરૂરિયાતો સેબી (સ્ટોક બ્રોકર્સ) (સુધારા) રેગ્યુલેશન્સ, 2024 નો ભાગ છે, જેનો ઉદ્દેશ્ય બજારની અખંડિતતા અને રોકાણકારોની સુરક્ષાના ઉચ્ચ ધોરણોને સુનિશ્ચિત કરવાનો છે. નિયામકે પરિપત્રમાં જણાવ્યું હતું કે, તેના અમલીકરણ માટેના ધોરણો, જેમાં સંચાલનને લગતા સુધારાનો સમાવેશ થાય છે, તેને બ્રોકર્સના ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ફોરમ (ISF) દ્વારા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સાથે પરામર્શ કરીને ઘડવામાં આવશે.
સ્ટોક બ્રોકર્સ પાસે રહેલા સક્રિય ક્લાઇન્ટની સંખ્યાને આધારે અમલીકરણ કરવામં આવશે. 50,000થી વધુ યુનિક ક્લાઇન્ટ કોડ્સ (UCCs) ધરાવતા બ્રોકર્સે 1 જાન્યુઆરી, 2025 સુધી નવા ધોરણોનું પાલન કરવાનું રહેશે. તે ઉપરાંત 2,001 થી 50,000 એક્ટિવ UCCs ધરાવતા બ્રોકર્સે 1 એપ્રિલ, 2025 સુધીમાં તેનું પાલન કરવાનું રહેશે.