દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ ઠેર-ઠેર 26 જાન્યુઆરી નિમિતે ધ્વજવંદન કારવામાં આવ્યું હતું. તો હીરાસરનાં ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે પણ ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવ્યું હતું. આ તકે એરપોર્ટને તિરંગા કલરની રોશની કરવામાં આવી હતી. તેમજ એરપોર્ટમાં ઠેર-ઠેર કેસરી, સફેદ અને ગ્રીન કલરના બલૂન લગાવવામાં આવ્યા હતા. એરપોર્ટ ખાતે કરાયેલી આ ઉજવણીમાં એરપોર્ટનો સ્ટાફ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વિની કુમારે રાજકોટના રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી હતી. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા શાનદાર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડિવિઝનલ રેલ્વે મેનેજરને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. આ પછી અશ્વિની કુમારે તમામ રેલ્વે કર્મચારીઓ તેમજ તેના પરિવારજનોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી તેમજ રાજકોટ ડિવિઝનની અત્યાર સુધીની સિદ્ધિઓની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગાયેલા દેશભક્તિના ગીતો અને નૃત્યોએ સૌના હૃદયમાં રાષ્ટ્રીય એકતાની લાગણી ભરી દીધી હતી. ‘RPF ડોગ સ્કવોડ’ દ્વારા કરવામાં આવેલ પ્રેઝન્ટેશને પણ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા તો RPF દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારો, પિસ્તોલ વગેરે દર્શાવવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવેના 125 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત નિબંધ, ચિત્ર/પોસ્ટર અને ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને ઈનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. RPF અને GRPના કુલ 30 કર્મચારીઓને વર્ષ દરમિયાન તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ DRM દ્વારા પ્રશસ્તિપત્રો અને રોકડ ઈનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.