અમેરિકામાં છેલ્લાં 2 વર્ષમાં ભારતીયો વિરુદ્ધ હેટ ક્રાઈમ અને હુમલાઓની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લાં 4 અઠવાડિયાંમાં વંશીય હુમલામાં 4 ભારતીયનાં મોત થયાં છે જ્યારે બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. એટલું જ નહીં, છેલ્લા એક વર્ષમાં ભારતીયો વિરુદ્ધ હેટ ક્રાઈમ અને હુમલાઓના 520 કિસ્સા નોંધાયા છે, જે ગયા વર્ષે 375 હુમલાઓની સરખામણીમાં લગભગ 40% વધુ છે. હાલમાં જ ન્યૂયોર્કમાં એક વૃદ્ધ વ્યક્તિની હત્યાનો મામલો સામે આવ્યો છે, જ્યારે ઈન્ડિયાનામાં એક ભારતીય વિદ્યાર્થીને ચપ્પુ મારવામાં આવ્યું હતું, જે આઈસીયુમાં છે. કાર્નેગી એન્ડોમેન્ટના અભ્યાસ મુજબ દર બે ભારતીયમાંથી એકે રંગના આધારે ભેદભાવની વાત સ્વીકારી છે. તાજેતરમાં, 23 વર્ષીય ભારતીય યુવતી જ્હાન્વીને શ્વેત પોલીસકર્મીએ ટક્કર મારી હતી.
શ્વેત કટ્ટરવાદી અમેરિકનો દ્વારા ભારતીયો પર હુમલો કરવાનું કારણ એ છે કે તેઓ માને છે કે ભારતીયો તેમની આર્થિક તકો કબજે કરી રહ્યા છે. ઘણા પીડિત ભારતીયોનું કહેવું છે કે ટ્રમ્પના બીજા કાર્યકાળના દાવા સાથે હુમલા વધુ તીવ્ર બન્યા છે. એક રિપોર્ટ અનુસાર ટ્રમ્પ અમેરિકાનાં 6 મહત્ત્વપૂર્ણ રાજ્યોમાંથી 5માં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન કરતાં આગળ છે. દરમિયાન, ભારતીયો વિરુદ્ધ મોટા પાયે દુષ્પ્રચાર ચાલી રહ્યા છે. ફોક્સ ન્યૂઝ ભારતીયો સામે ‘ગ્રેટ રિપ્લેસમેન્ટ થિયરી’ ચલાવે છે. તેઓ માને છે કે અમેરિકામાં મહત્ત્વના હોદ્દા પર અમેરિકન લોકોની જગ્યા ભારતીયો લઈ રહ્યા છે. ચેનલ ન્યૂઝ હોસ્ટ ટુકર કાર્લસને આ મુદ્દે 400 એપિસોડ બનાવ્યા છે. તેઓ લોકોમાં એવી છાપ પેદા કરી રહ્યા છે કે ભારતીયો અમેરિકા પર કબજો કરવા માગે છે, પરંતુ તેઓ ભારત પ્રત્યે વધુ વફાદાર છે.