આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં શુક્રવારે સાંજે તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મામલો વધતો જોઈને પોલીસે બળપ્રયોગ કરીને ભીડને હટાવી સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. હાલમાં માચેરલામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
TDP કાર્યકર્તાઓ અહીંના માચેરલા ગામમાં YSRCP સરકાર વિરુદ્ધ રેલી કરવા જઈ રહ્યા હતા, જ્યારે બંને પક્ષોના કાર્યકરો એકબીજા સાથે ઘર્ષણ થતાં સામસામે પથ્થરમારો થયો હતો. એમાં બંને તરફના લોકોને ઈજા થઈ હતી. હિંસક અથડામણમાં અનેક મકાનો અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી. હવે બંને પક્ષો એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે.
TDPનું કહેવું છે કે YSRCPના કાર્યકર્તાઓએ તેમની ઓફિસ અને નેતાઓના વાહનને આગ લગાડી હતી, જ્યારે શાસક પક્ષનું કહેવું છે કે તેલુગુ દેશમ પાર્ટીના કાર્યકર્તાઓએ અથડામણમાં તેના કાર્યકરોને ઇજા પહોંચાડી હતી.
TDPના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ગુંટૂરના ડીઆઈજીને હુમલા અંગે પૂછ્યું છે કે જ્યારે માચેરલામાં સ્થિતિ આટલી ગંભીર બની ગઈ છે ત્યારે પોલીસે કેમ કાર્યવાહી ન કરી?