માટીપગો હાટકેશ્વર બ્રિજ તોડીને નવો બનાવવા માટે મ્યુનિ.એ ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવા છતાં કોઈ સ્થાનિક કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યું ન હતું. જો કે નાગપુરના ચાફેકર નામની કંપનીએ ટેન્ડર ભર્યું છે. અગાઉ બે વખત ટેન્ડર બહાર પાડ્યું હતું. જોકે, એકપણ કંપની કે એજન્સીએ બ્રિજની કામગીરી કરવા માટે તૈયારી બતાવી નહતી. બ્રિજનો જે પણ ખર્ચ થશે તે તમામ જૂનો હાટકેશ્વર બ્રિજ બનાવ્યો તે અજય ઇન્ફ્રાએ ભોગવવાનો રહેશે. હાલમાં ટેન્ડર ઈવેલ્યુશનની કામગીરી ચાલી રહી છે. 2017માં બ્રિજ બનાવ્યા પછી 4 વર્ષથી ઓછા સમયમાં જ ગાબડાં પડવાનું શરૂ થયું હતું.આઈઆઈટી રૂરકીના રિપોર્ટના આધારે ત્રણ સભ્યની પેનલે હયાત બ્રિજના 8 સ્પાનને નવેસરથી બનાવવા અભિપ્રાય આપ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, ત્રીજી વખત ટેન્ડરની સમયમર્યાદામાં વધારો કરાયો હતો. સુરતની એક એજન્સીએ પત્ર લખી કામગીરીમાં રસ દાખવ્યો હતો. જો કે પછીથી કોઈ વાતચીત થઈ ન હતી. એ પછી નાગપુરની કંપનીએ બ્રિજની કામગીરી કરવામાં રસ દાખવ્યો છે. બિડરે જીએસટી, વાર્ષિક ટર્નઓવર સહિતના ડોક્યુમેન્ટ જમા નથી કરાવ્યા. તેથી આ ડોક્યુમેન્ટ મંગાવાયા છે. એજન્સી હયાત બ્રિજનો ટેસ્ટ કરાવશે. તેમાં જે સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.