અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામમંદિરમાં રામલલ્લાનું સ્થાપન કરાશે. જેના વધામણાં કરવા માટે રાજકોટમાં 17 થી 24 જાન્યુઆરીના રોજ ‘ભાગવત કે રામ’ કથાનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. જેના વ્યાસાસને ભાઈશ્રી રમેશભાઈ અોઝા બિરાજમાન થશે. કથા માટે 1 લાખ આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ કથા દરમિયાન રાજકોટમાં કથા સ્થળે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળી શકાશે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
આયોજક રામભાઈ મોકરિયાના જણાવ્યાનુસાર રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભવ્ય સમિયાણામાં 10થી વધુ ઋષિમુનિ તેમજ તીર્થ સ્થળોના નામથી ખંડ બનાવવામાં આવશે. સિનિયર સિટિઝન માટે અલગથી ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે. કથાનું રસપાન કરવા માટે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી લોકો આવશે. કથા પૂર્વે વાજતે-ગાજતે પોથીયાત્રા નીકળશે.
તેમજ ગણેશજીનું સ્થાપન કરાશે અને કથા દરમિયાન ગોવર્ધન પૂજા, રુક્મિણી વિવાહ, નૃસિંહ જન્મ, કપિલ જન્મ, વામન જન્મ, શ્રીરામ જન્મ, કૃષ્ણ જન્મ સહિતના વિવિધ પ્રસંગોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. તેમજ સમિયાણામાં એલઈડીની સુવિધા પણ ઊભી કરાઈ છે. કથા શ્રવણનો સમય સાંજે 4.00થી 7.00 સુધીનો રહેશે.