અમેરિકામાં આશાજનક દવાઓના ઉપયોગ માટે જલદી મંજૂરી આપવા માટે એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન) દ્વારા ખાસ પ્રોગ્રામ ચલાવાઈ રહ્યો છે. આ પ્રોગ્રામ HIVના રોગીઓ સુધી દવા પહોંચાડવા માટે 1992માં શરૂ કરાયો હતો. આજના સમયમાં આ પ્રોગ્રામ હેઠળ 85% મંજૂરી કેન્સરની દવાઓને આપવામાં આવે છે.
એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું કે સ્વીકૃત કરાયેલી કેન્સરની મોટા ભાગની દવાઓનો ફાયદો પાંચ વર્ષના ઉપયોગ પછી ખબર પડે છે. પેસિન્લ્વેનિયા યુનિવર્સિટીના કેન્સર નિષ્ણાત અને બાયોએથિસિસ્ટ ઈજેકીલ ઇમાનુએલનું કહેવું છે કે હજારો લોકોને આ દવાઓ અપાઈ રહી છે. જે આપણે નથી જાણતા ફાયદાકારક છે કે નહીં, તો એ એક ભૂલ છે. 2013 અને 2017 વચ્ચે આ પ્રોગ્રામ હેઠળ કેન્સરની 46 દવાઓને ઉપયોગ માટે જલદી મંજૂરી અપાઈ. તેમાંથી માત્ર 43%એ જ પરીક્ષણમાં તબીબી લાભ દેખાડ્યો હતો. તેમ છતાં પણ 63% દવાઓની મંજૂરીને થોડા સમય પછી નિયમિત સ્વીકૃતિમાં બદલી દેવાઈ.
અભ્યાસના સહ-લેખક હાર્વર્ડ મેડિકલ સ્કૂલના ડોક્ટર એડવર્ડ ક્લિફે કહ્યું કે એ સ્પષ્ટ નથી કે દવાઓને જલદી મંજૂરી મળવા વિશે કેન્સરના રોગી કેટલું જાણે છે. પ્રશ્ન એ છે કે શું ઈલાજની અનિશ્ચિતતા વિશે તેને અવગત કરાવાય છે? આ અભ્યાસ જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિયેશનમાં પ્રકાશિત થયો છે.