રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, હોસ્પિટલોમાં હૃદયને લગતી બીમારીઓના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ જુદી જુદી રમતોના મેદાનમાં બેનર લગાવી દીધા છે જેમાં સૂચના અપાઈ છે કે જે વ્યક્તિ કે ખેલાડીને હૃદયને લગતી બીમારી હોય તો તેમને પ્રવેશ નહીં મળે. આ ઉપરાંત જે ખલાડીઓ જુદી જુદી રમતો રમવા આવશે તેમણે પણ મેડિકલ સર્ટિ. રજૂ કરવું પડશે.
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ઠંડીનું પ્રભુત્વ જામી રહ્યું છે. આ કાતિલ ઠંડીનાં કારણે હૃદય સંબંધિત સમસ્યાઓનું પ્રમાણ પણ વધવાની સંભાવનાઓ પ્રબળ બની છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સાવચેતીના ભાગરૂપે બેનર લગાવી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડો.હરિશ રૂપારેલિયાની સૂચનાથી લગાવાયેલા બેનરમાં લખાયું છે કે, સ્વિમિંગ પૂલમાં શીખાવ વ્યક્તિએ લાઈફ જેકેટ તથા જરૂરી સેફ્ટી ઇક્વિપમેન્ટ પહેરીને જ સ્વિમિંગ કરવું.
જો કોઈ સભ્યને હૃદયને લગતી અથવા અન્ય કોઈ બીમારી હોય તો તેવી વ્યક્તિએ સ્વિમિંગ કરવું નહીં. ફિટનેસ અંગેનું ડોક્ટરનું સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ સ્વિમિંગ કરવું અન્યથા સંબંધિત વ્યક્તિની જવાબદારી રહેશે. સ્વિમિંગ પૂલ પર કોચ કોઇપણ કારણસર હાજર ન હોય તો તેવા સંજોગોમાં કોઈપણ વ્યક્તિએ સ્વિમિંગ પોલમાં પ્રવેશ કરવો નહીં અને સ્વિમિંગ કરવું નહીં.