વિશ્વના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જાણીતા ચીનમાં અર્થતંત્રની સ્થિતિ ઘણા લાંબા સમયથી ઠીક ચાલી રહી નથી. અમેરિકા અને અનેક યુરોપિયન દેશો સાથે વધતા વ્યાપારિક તણાવ, કોવિડ દરમિયાન લદાયેલા મોટો સમયગાળા માટેનું લોકડાઉન અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે અનેક અમેરિકન અને પશ્વિમી કંપનીઓ હવે ચીનથી પોતાના બિઝનેસ અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને અન્ય દેશમાં શિફ્ટ કરી રહી છે.
અનેક ચાઇનીઝ કંપનીઓએ પણ પૂર્વ એશિયન દેસોમાં બિઝનેસ શિફ્ટ કરવાનું શરૂ કર્યું છે. દેશમાં વિદેશી રોકાણ 30 વર્ષના નીચલા સ્તર પર છે. ગત વર્ષે અને આ વર્ષે માર્ચમાં પણ ચીનથી અન્ય દેશોમાં નિકાસ ઘટી છે.
ચીનના નિકાસકાર જે પહેલા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ, રમકડાં, ફર્નીચર જેવી વસ્તુઓની મોટા પાયે નિકાસ કરતા હતા, તે હવે ગ્રીન એનર્જી, ઇવી જેવી વસ્તુઓ પર જોર આપી રહ્યાં છે. તેને કારણે ફર્નિચર, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટના કારખાનામાં હવે ઉત્પાદન ઘટી રહ્યું છે. જ્યારે બીજી તરફ નવી ઇન્ડસ્ટ્રીમાં પણ ઉચ્ચ આવડત ધરાવતા કામદારો અથવા રોબોટ કામ કરી રહ્યા છે. તેમાં કૌશલ્ય વગરના કર્મચારીઓની જરૂરિયાત બહુ ઓછી છે.
તેને કારણે ચીનના નાના ગામમાંથી મોટા પાયે શહેરોમાં કામ કરવા માટે આવતા 30 કરોડથી વધુ પ્રવાસી મજૂરોની હાલત ખરાબ થઇ રહી છે. ચીનના ડાંગુઆન શહેરમાં રહેતા રેન એવા જ એક પ્રવાસી મજૂર છે. રેન પોતાની આપવીતિ જણાવતા કહે છે કે તેઓ અને તેમની પત્ની લાંબા સમયથી બેરોજગાર છે. તેઓ દરરોજ નોકરીની જાહેરાત જુએ છે પરંતુ મહત્તમ ફેકટરીઓ 16 યુઆન (185 રૂપિયા) પ્રતિ કલાકની ન્યૂનતમ મજૂરીથી પણ ઓછું વેતન આપી રહી છે. તેમની પાછલી કંપનીમાં તેમનું 80 હજાર યુઆનથી પણ વધુ રકમ બાકી છે, જે ચીનથી કામગીરી સમેટીને પૂર્વ એશિયન દેશમાં શરૂ કરવામાં આવી છે. રેન જેવા 300 કર્મચારી છે જેમનું વેતન કંપની દ્વારા ચૂકવવામાં આવ્યું નથી.