ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ અને પ્રમિલા જયપાલ સહિત ત્રણ અમેરિકન સાંસદોએ અમેરિકાની સંસદમાં બે બિલ રજૂ કર્યાં છે. આ બિલ ગ્રીનકાર્ડ બેકલૉગને ઘટાડવામાં તેમજ નોકરી માટે વિઝાના આધાર પર ભેદભાવ ખતમ કરવાના ઇરાદાથી રજૂ કરવામાં આવ્યાં છે. જો આ બિલ પાસ થઇને કાયદો બનશે તો ગ્રીનકાર્ડ અને અમેરિકામાં સ્થાયી નિવાસ માટે દાયકાઓથી પ્રતીક્ષા કરી રહેલા હજારો ભારતવંશીઓને મદદ મળશે. રિચ મેકકોર્મિક ત્રીજા સાંસદ છે જેમણે રાજા કૃષ્ણામૂર્તિ અને પ્રમિલા જયપાલ સાથે મળીને સોમવારે આ બિલ સંસદમાં રજૂ કર્યું હતું.
ઇમિગ્રેશન વિઝા એફિશિયન્સી એન્ડ સિક્યોરિટી એક્ટ 2023થી અમેરિકાનું અર્થતંત્ર મજબૂત બનશે અને આંતરરાષ્ટ્રીય હરીફાઇ પણ એક તરફથી વધશે. વાસ્તવમાં તેનાથી ગ્રીનકાર્ડ બેકલોગ ઘટશે, જેનાથી અમેરિકન કંપનીઓ યોગ્યતા અને જન્મસ્થાનના આધાર પર વિદેશી નાગરિકોની ભરતી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ બિલનો સૌથી મોટો ફાયદો એ થશે કે તેનાથી અમેરિકા આવતા વિદેશી નાગરિકો માટે અત્યારનો સાત-સાત ટકાનો ક્વોટા ખતમ થઇ જશે. કૃષ્ણમૂર્તિએ કહ્યું કે અમે ભવિષ્ય માટે અર્થતંત્રને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છીએ.
અમે કુશળ કામદારોને ગ્રીનકાર્ડ બેકલોગની ઝંઝટમાં ફસાયેલા રહે તેવું ઇચ્છતા નથી. તેમણે કહ્યું કે અમને ઇમિગ્રન્ટ્સ વિઝાના આધાર પર રોજગારને લઇને ભેદભાવ ખતમ કરવા માટે પોતાના સહયોગીઓને મદદ મળવા પર ગૌરવાન્તિત છે. જણાવી દઇએ કે અત્યારના સમયમાં લગભગ 95% રોજગાર આધારિત ઇમિગ્રન્ટ્સ અસ્થાયી વિઝા પર અમેરિકામાં કામ કરી રહ્યા છે અને રહે છે. તેમાંથી અનેક લોકો અસ્થાયી રીતે વસવાટ કરી રહ્યા છે. આ બિલથી એચ-1બી અસ્થાયી વિઝા પ્રોગ્રામ મજબૂત થશે અને આ તે લોકો માટે વિકલ્પ છે, જે ગ્રીનકાર્ડ અરજી દાખલ કરવા માટે અનેક વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા છે.