હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં આગામી બે દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, દીવ અને ગીર સોમનાથમાં રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદ રહેશે. તો બે કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે 11 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજા દિવસે એટલે કે, 30 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહી શકે તેવી શક્યતા છે. વરસાદને કારણે નોરતામાં ખેલૈયાઓને ગરબા રમવામાં ભંગ પડ્યો છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હેઠળ આવતા જિલ્લાઓમાં ભારે વરસાદની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા 29/09/2025ના રોજ યોજાનારી BSC, BCA અને BBAની તમામ નિયમિત પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.