T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થયો છે. ભારતીય કોમેન્ટેટર અને પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર પણ કોમેન્ટરી માટે અહીં પહોંચ્યા છે. ભારત તેની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. મેચ પહેલાં પાકિસ્તાની ટીમે ગાવસ્કરને પોતાના ડ્રેસિંગ રૂમમાં બોલાવ્યા હતા અને મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
વીડિયોમાં ગાવસ્કર પહેલા પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમના હાલચાલ પૂછે છે અને પછી હાથ મિલાવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે. ગાવસ્કર અભિનંદન પાઠવે છે અને બાબરને પૂછે છે કે તેમનો જન્મદિવસ આજે છે કે ગઈકાલે હતો. બાબર તેનો આભાર માને છે અને કહે છે કે તેનો જન્મદિવસ એક દિવસ પહેલાં હતો. ગાવસ્કરની સાથે પાકિસ્તાનના મુખ્ય કોચ સકલેન મુશ્તાક અને બેટિંગ કોચ મોહમ્મદ યુસુફ પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.