કતારમાં જાસૂસીના આરોપમાં ફાંસીની સજા પામેલા આઠ પૂર્વ નેવી કર્મચારીઓને ભારતીય રાજદૂત મળ્યા હતા. આ બેઠક 3 ડિસેમ્બરે થઈ હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ માહિતી આપી છે. વિદેશમંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈમાં કતારના અમીર સાથે મુલાકાત કરી છે. જોકે, આ મુલાકાત દરમિયાન કયા મુદ્દા પર વાત થઈ તે અંગે બાગચીએ જણાવ્યું નથી.
અરવિંદ બાગચીએ કહ્યું કે કતારમાં આઠ ભારતીયોને ફાંસી આપવાના મામલામાં ભારતે અપીલ કરી છે. આ અંગે 23 અને 30 નવેમ્બરે બે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
26 ઓક્ટોબરે ફાંસીની સજા સંભળાવી હતી
કતારની ‘કોર્ટ ઑફ ફર્સ્ટ ઇન્સ્ટન્સ’એ 26 ઑક્ટોબરે આઠ ભારતીયોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ભારતે આ નિર્ણયને ચોંકાવનારો ગણાવ્યો હતો અને આ મામલે તમામ કાયદાકીય વિકલ્પો શોધવાની વાત કરી હતી. થોડા દિવસો બાદ ફાંસીની સજા સામે અપીલ કરાઈ હતી. બાગચીએ કહ્યું કે આ મામલો હાલમાં ત્યાં કાનૂની પ્રક્રિયા હેઠળ છે.