દેશમાં ઓગસ્ટ-ઑક્ટોબરની તહેવારની સીઝન દરમિયાન હાયરિંગ એક્ટિવિટીમાં 73%ની વૃદ્વિ જોવા મળી છે. ખાસ કરીને ઇ-કોમર્સ, રિટેલ, લોજિસ્ટિક્સ અને BFSI સેક્ટર્સમાં સૌથી વધુ ભરતી કરવામાં આવી હતી. વર્ષ 2021ની તુલનાએ તેમાં 73 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ક્વેસ કોર્પના ડેટા અનુસાર ઓગસ્ટ-ઓક્ટોબર દરમિયાન કુલ 1,00,000ના ઓર્ડર બૂક થયા હતા. તદુપરાંત વધતી માંગને પહોંચી વળવા માટે ઇ-કોમર્સ, લોજિસ્ટિક્સ, રિટેલ અને બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસીઝ એન્ડ ઇન્શ્યોરન્સ (BFSI) સેક્ટરમાં ભરતી માટેના પ્રયાસો વધારવામાં આવ્યા હતા. કોવિડ-19ની અસર બાદ ગત વર્ષે વેચાણમાં રિકવરી જોવા મળી છે. આ વર્ષના તહેવારોનો મોસમ અર્થતંત્રમાં ગ્રોથ માટેનો મહત્વપૂર્ણ સૂચકાંક સાબિત થયો છે અને તેને કારણે કેટલાક ઉદ્યોગોમાં નોકરીની માંગમાં વધારો થયો છે.
આ તહેવારોની મોસમ દરમિયાન ખાસ કરીને પિકર, પેકર, હેલ્પર, સેલ્સ પ્રમોટર, સેલ્સ એક્ઝિક્યુટિવ અને પ્રોડક્શન ટ્રેઇની જેવી પોસ્ટ પર ભરતીમાં વાર્ષિક ધોરણે 39 ટકાનો વધારો થયો હતો. તહેવારોની મોસમ દરમિયાન એમેઝોન, મિંત્રા, ફ્લિપકાર્ટ અને અન્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ ગ્રાહકો માટે અનેકવિધ ઑફર્સ લોન્ચ કરે છે. જેને કારણે વેબસાઇટ પર વધુ ટ્રેકશન જોવા મળે છે.