કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી પછી હવે ઈન્કમ ટેક્સ વિભાગ પણ એક્શનમાં છે. બંગાળ પછી મહારાષ્ટ્રમાં ઈન્કમ ટેક્સ વિભાગની રેડમાં મોટા પ્રમાણમાં કેશ મળી છે. મહારાષ્ટ્રના જાલનામાં ઈન્કમ ટેક્સ વિભાગે સ્ટીલ, કપડાના વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલોપર પર રેડ કરી છે. તેમાં મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ વિભાગને મળી છે. લગભગ 390 કરોડની બેનામી સંપત્તિ ઈન્કમ ટેક્સ વિભાગે જપ્ત કરી છે. તેમાં 58 કરોડ રૂપિયા કેશ, 32 કિલો સોનુ, ડામન્ડ અને ઘણી પ્રોપર્ટીઓના પેપર મળ્યા છે.આવકવેરા વિભાગની ટીમને રોકડ ગણવા માટે આશરે 13 કલાકનો સમય લાગ્યો હતો. રોકડની ગણતરી કરતી વખતે કેટલાક કર્મચારીની તબિયત પણ બગડી ગઈ હતી.
આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે SRJ સ્ટીલ, કાલિકા સ્ટીલ, એક કો-ઓપરેટીવ બેન્ક, ફાયનાન્સર વિમલ રાજ બોરા, ડીલર પ્રદીપ બોરાની ફેક્ટરી, રહેઠાણો તથા કાર્યાલયો ઉપર 1થી 7 ઓગસ્ટ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીની માહિતી આજે એટલે કે ગુરુવારે આપવામાં આવી છે.
સંપૂર્ણ ટીમે જાનૈયા બનીને એન્ટ્રી લીધી હતી. ગાડીઓ ઉપર લગ્નના સ્ટીકર લગાવ્યા હતા. કેટલાક ઉપર તો લખ્યું હતું- દુલ્હનિયા હમ લે જાયેંગે. આ કોડવર્ડ પણ હતો. આ દરોડમાં આવકવેરા વિભાગના 260 અધિકાર અને કર્મચારીનો સમાવેશ થતો હતો,જે 120થી વધારે ગાડીઓમાં આવ્યા હતા. આ ઓપરેશનને એક જ સમયે પાંચ અલગ-અલગ ટીમો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
રાજ્યના 260 અધિકારીઓએ ભેગા થઈને કાર્યવાહી કરી
રેડમાં મળેલી કેશને ગણવામાં વિભાગને 13 કલાકનો સમય લાગ્યો છે. ઈન્કમ ટેક્સે 1થી 8 ઓગસ્ટની વચ્ચે આ કાર્યવાહી કરી છે. ઈન્કમ ટેક્સ વિભાગની નાસિક બ્રાન્ચે આ કાર્યવાહી કરી છે. સમગ્ર રાજ્યના 260 અધિકારી અને કર્મચારીઓ આ કાર્યવાહીમાં સામેલ હતા. આઈટીના કર્મચારીઓ પાંચ ટીમોમાં વહેંચાયેલા હતા અને રેડમાં 120થી વધુ ગાડીઓનો ઉપયોગ થયો હતો.
સવારે 11થી રાતના 1 વાગ્યા સુધી કેશ ગણવામાં આવી
કપડા અને સ્ટીલ કારોબારીના ઘરમાંથી કેશને જાલના સ્થાનીક સ્ટેટ બેન્કની બ્રાન્ચમાં લઈ જઈને ગણવામાં આવી હતી. સવારે 11 વાગ્યાથી કેશ ગણવાનું કામ શરૂ થયું હતું અને રાતે લગભગ એક વાગ્યે આ કામ પુરું થયું હતું. ઈન્કમ ટેક્સ વિભાગને માહિતી મળી હતી કે જાલનાની ચાર સ્ટીલ કંપનીના વ્યવહારમાં અનિયમિતતાઓ છે, તે પછી ઈન્કમ ટેક્સ વિભાગ એક્શનમાં આવ્યું હતું. આઈટી ટીમે ઘર અને કારખાનામાં રેડ કરી હતી. જોકે ઘરમાંથી ટીમને કઈં જ મળ્યું નહોતું પરંતુ શહેરની બહાર ફાર્મફાઉસમાંથી કેશ અને સોના-હીરા સહિત ઘણા કાગળો મળ્યા હતા.
બંગાળ અને યુપીમાં થઈ હતી જોરદાર કાર્યવાહી
આ પહેલા કેન્દ્રીય એજન્સી ઈડીની કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની એવી અર્પિતા મુખર્જીના ઘરેથી લગભગ 50 કરોડ રૂપિયાની કેશ મળી હતી. આ સિવાય ઘણી પ્રોપર્ટીને પણ ઈડીએ એટેચ કરી હતી. યુપીના કાનપુરમાં પણ એક કારોબારી પીયૂષ જૈનના ઘરે રેડમાં 197 કરોડ રૂપિયાની કેશ મળી હતી. આ સિવાય કરોડો રૂપિયાની બીજી પ્રોપર્ટીને પણ એટેચ કરવામાં આવી હતી. તાજેતરમાં જ મધ્યપ્રદેશના શિક્ષણ વિભાગમાં કામ કરી રહેલા એક કારકૂનના ઘરે પડેલી રેડમાં 85 લાખ રૂપિયા કેશ મળ્યા હતા. આ સિવાય કારકૂનની અલગ-અલગ લગભગ ચાર કરોડ રૂપિયાની પ્રોપર્ટીના કાગળોને જપ્ત કરવામાં આવ્યા હતા.